મોરબીના પીપળી થી બેલા રોડ ઉપર રોડ ઉપર ડમ્પર ચાલક દ્વારા અંધારામાં કોઈ આડસ કે સિગ્નલ વગર રોડની વચ્ચે ઉભું રાખેલ ડમ્પરના પાછળના ભાગે બાઈક અથડાતા બાઈક ચાલકનું કપાળના ભાગે ઇજા થતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મૃત્યુ અંગે મૃતકના ભાઈ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પીપળી ગામના શાંતિનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સવજીભાઈ દેત્રોજાએ ડમ્પર રજી. જીજે-૧૨-બીડબ્લ્યુ-૯૯૫૨ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામથી આગળ પલોવા ટાઇલ્સના શો રૂમની સામે રોડ ઉપર મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે આરોપી ડમ્પર ચાલકે આગળ પાછળના ભાગે કોઇ સીગ્નલ કે આડાશ કર્યા વગર રોડ વચ્ચે ઉભુ રાખતા અંધારાને કારણે પાછળના ઠાઠાના ભાગે રમેશભાઈના મોટાભાઈ ડાયાભાઇનું બાઈક રજી નંબર-GJ-13-R-8693 અથડાતા બાઈક ચાલક ડાયાભાઈને કપાળના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના બનાવ મામલે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.