મોરબીના નાની વાવડી ગામે ઝૂલતા પુલ દુર્ઘટનાની વરસી નિમિતે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરારી બાપુના આગમન પૂર્વે રામકથા આયોજન સમિતિની બેઠક મળી હતી. તેમજ રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો દ્વારા કથા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. અને કામગીરીનો તાગ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત વર્ષે મોરબીમાં સર્જાયેલી ઝૂલતા પુલ દુર્ઘટના ૧૩૫ લોકોને કાળ બનીને ભરખી ગઈ હતી. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા જે મોજની પળો કાળમાં પરિવર્તિત થઈ હતી અને જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે નાની વાવડી ગામે કબીર આશ્રમ ખાતે રામ કથાકાર મોરારી બાપુની હાજરીમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવાં આવ્યું હતું. જે સભામાં મોરારી બાપુએ ઘટનાની પ્રથમ વરસી સુધીમાં મોરબીમાં રામકથા કરવાની જાહેરાત કરી હતી. જેને લઇ આગામી તા ૧/૧૦/૨૩ થી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ રામકથા આયોજન સમિતિની બેઠક મળી હતી અને કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડ્યુંબિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના આગેવાનો દ્વારા કથા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
આગામી સમયમાં મોરબીમાં યોજાનારી આ રામ કથાનું ૧૫૦ કરતા વધુ દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.