મોરબીનાં ખેડૂતો હાલ ઉનાળુ પાકને પિયત માટે પાણી છોડવા નર્મદા કેનાલનું પાણી આપવા માંગ કરી રહ્યા છે. જે માંગને ધ્યાને લઈ હવે ખેડૂતોને કેનાલ દ્વારા પિયત કરવા માટે ૧૦,૦૦૦ કયુસેક પાણી પૂરું પાડવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણયને લઈ સાંસદ-ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૌની યોજના અંતર્ગત મોરબી જીલ્લાના ખરીફ પાક માટે ખેડુતોને કેનાલ દ્વારા પિયત કરવા માટે પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રીને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રજુઆત કરાયેલ હતી. તેને ધ્યાને લઈ ગત તા.૦૧-૦૬-૨૦૨૩ થી ૧૦,૦૦૦ કયુસેક પાણી નર્મદા નહેરોમાં છોડવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીમંડળ દ્વારા ખેડુતોના હીતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તે બદલ ખેડુતો, સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ આ નિર્ણય વધાવી મુખ્યમંત્રી તથા મંત્રીમંડળનો આભાર વ્યકત કર્યો હતો.