મોરબી: બે મહિના પહેલા મુંબઈ પોલીસે ડ્રગ્સ કવીન રૂબિનાના મુંબઈ ખાતે આવેલા ઘરે રેડ કરી એમડી ડ્રગ્સ ઝડપી પડ્યું હતું. જે બાદથી રૂબિના ફરાર હતી અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. જેને એમડી ડ્રગ્સના જથ્થા સાથે મહેસાણા પાસે આવેલી મીરા દાતાર દરગાહમાંથી ઝડપી લેવામાં આવી છે.
મુંબઈ એનસીબીએ મુંબઈના બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં રેડ કરીને લેડી ડોન રૂબિના નિયાઝુ શેખના ઘરમાંથી 110 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 585 ગ્રામ સોનુ અને રૂપિયા 78 લાખ રોકડ ઝડપી પાડ્યા હતા. આ રેડ બાદ રૂબિના ભૂગર્ભમાં જતી રહી હતી. જે બાદ રૂબિના શેખને વોન્ટેડ જાહેર કરી મુંબઈ એનસીબીએ શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન રૂબિના શેખ ઊંઝા તાલુકાના ઉનાવાની મીરાદાતાર દરગાહ ઉપર આવી હોવાની બાતમી મળતાં એનસીબીએ મહેસાણા પોલીસને જાણ કરી હતી. જેથી મહેસાણા એસપીના સુપરવિઝન હેઠળ રૂબિના શેખને પકડવા મુંબઈ એનસીબી અને ઊંઝા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. મુંબઈ એનસીબીના બે અધિકારી અને ઊંઝા પોલીસની ટીમે ઓપરેશન હાથ ધરીને રૂબિના શેખને મીરા દાતાર દરગાહ નજીકથી ઝડપી પાડી હતી. રૂબિના શેખને ધરપકડ બાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કોર્ટમાં રજૂ કરી મુંબઈ એનસીબીએ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી મુંબઈ રવાના કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઉનાવા મીરા દાતારની દરગાહમાં ઉર્સનો મેળો હોવાથી લોકોની ભારે ભીડ હતી જેથી રૂબિનાને પકડવી પોલીસ માટે પણ પડકાર હતો. જેથી મહેસાણા પોલીસ સ્ટાફે મુસ્લિમ વેશ ઘારણ કરી તેની શોધખોળ હાથ ધરી હતી તેવામાં પોલીસને રૂબિના એક હોટલમાં હોવાની જાણ થતા તે હોટલમાં રેડ કરતા રૂબિના 3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સોનુ, રોકડ રકમ સાથે ઝડપાઇ હતી.