વાંકાનેરમાં નવા વર્ષના દિવસે જ અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે અને વાંકાનેર શહેર પોલીસ મથકે નવા વર્ષે ખાતું ખોલી દીધું છે. જેમાં કેરાળા ગામે બે ઈસમોએ પિસ્તોલ તથા તલવાર લઈ રામ રામ કરવાનું કહેતા પિતા પુત્ર પર જાનલેવા હુમલો કર્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ કરી તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર શહેર ની હદમાં આવતા કેરાળા ગામની ઝાંપાવાળી શેરી શક્તિમાના મંદિર પાસે રહેતા રૈયાભાઈ છગનભાઇ ગોલતરએ ગોપાલભાઇ લાખાભાઇ બાંભવા તથા લાખાભાઇ ગોરાભાઇ બાંભવા (રહે.ધમલપર, તા. વાંકાનેર, જી. મોરબી)ને નવા વર્ષ નિમીતે ઉંચો હાથ કરી રામ રામ કરી હાથ મિલાવવા નજીક જતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને કહેલ કે તારી સાથે રામ રામ કરવાના થતા નથી તુ નિકળ એમ કહેતા ફરિયાદી તથા સાહેદ હરેશ બન્ને જણા ચાલીને નજીકમા આવેલ રાણીમા રૂડીમાના મંદિરે દર્શન કરી પરત આવતા શેરીમા પહોંચતા પાછળથી ફાયરીંગનો અવાજ આવતા અને પાછું વળીને જોતા ગોપાલભાઇએ પોતાના હાથમા પિસ્તોલ રાખી ફરિયાદી પર બીજુ પણ ફાયરીંગ કરેલ જેમા ફરિયાદીને ડાબા પડખામા તથા પેટના ભાગે એમ બે જગ્યાએ ફાયરીંગ વતી ઇજા ફરી અને આ બન્ને આરોપીઓએ મળી ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરીંગવતી ઇજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ લાખાભાઇએ તલવાર વતી ફરિયાદીને મારવા જતાં ફરિયાદી ખસી જતાં તલવારનો ઘા ફરિયાદીના મોટરસાઈકલ પર લાગી જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વાંકાનેર શહેર વિસ્તારમાં પોલીસની ધાક ઓસરી રહી છે ત્યારે નવા વર્ષે આવી ધટના બનતા નાના એવા કેરાળા ગામમાં ભય નો માહોલ બની ગયો છે હાલ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પરંતુ વાંકાનેર સ્થાનિક પોલીસ પર નવા વર્ષે ખાતું ખુલતા કાયદો વ્યવસ્થા ની સ્થિતિ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.