મોરબી મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી તથા તેમના પુત્રની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્નીએ બી ડીવીઝન પોલીસમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ ગત મોડી રાત્રીના સમયગાળા દરમિયાન મોરબીના વિશિપરામાં મુસ્લિમ સમાજના અગ્રણી અને મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી(ઉ.52) અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી (ઉ.24) પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બંને પિતા અને પુત્રના મોત નિપજ્યા છે. આ ઘટના અંગે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્નીએ બી ડીવીઝન પોલીસમાં પાંચ શખ્સો ડાડો ઉર્ફે ડાડુ ઉર્ફે રફીક તાજમહમદજેડા, અસગર જાક્મ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી, આશીફ સુમરા અને મોહીન દાવલીયા ઉર્ફે લાલો પીંજારો એક સંપ કરી ઘારીયા સહિતના હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેના પુત્ર ઈમ્તિયાઝને પાલીકાની ચુંટણીમાં વાંધા ચાલતા હોવાના મનદુઃખને લઈને હત્યા નિપજાવવા આવી હોવાનું ખુલ્યું છે.
ફરિયાદને પગલે હત્યારાઓની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.