મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી આગોતરી કરવામાં આવી છે. 16 ઓગસ્ટે જન્માષ્ટમી હોવા છતાં, 15 અને 16 ઓગસ્ટની જાહેર રજા અને ત્યારબાદ રવિવાર આવતો હોવાથી મોટાભાગની શાળાઓએ આજે ગુરુવારે ઉજવણી કરી છે. જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો છે.
વિધાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ સાંસ્કૃતિક મૂલ્યોનો પણ વિકાસ થાય, વિધાર્થીઓ ધાર્મિક ઉત્સવો પાછળના સાંસ્કૃતિક આયામો સમજે તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી. પટેલ કોલેજનાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં આગામી જન્માષ્ટમી પર્વ અંતર્ગત નંદ-ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ. આ નંદ-ઉત્સવ અંતર્ગત કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ તેમજ જીવન ચરિત્ર અને જીવન મુલ્યો પર આધારિત નૃત્યો, નાટકો, ગીતો અને વક્તવ્યો રજુ કર્યા હતા. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ ના જીવન પર વિવિધ માર્મિક અને રસપ્રદ રજુઆતો કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં કોલેજની વિધાર્થીની બહેનો અને મહિલા પ્રાધ્યાપકો પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કૃતિઓની પૂર્વ તૈયારી માટે કોલેજના તમામ મહિલા પ્રાધ્યાપકો ઘણા દિવસોથી જહેમત ઉઠાવી રહ્યા હતા અને નૃત્યોની કોરીઓગ્રાફી કોલેજની જ વિધાર્થીની અને એક સફળ કોરીઓગ્રાફર નિયતિ કુકડિયા દ્વારા કરવામાં આવી હતી.