ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત દેશમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ત્યારે ટંકારાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વિજ્ઞાનમાં પ્રથમ નોવેલ પારિતોષિક મેળવનાર ભારતના મહાન વૈજ્ઞાનિક ડોકટર સી.વી. રામનની યાદમાં દર 28મી ફેબ્રુઆરી નિમિતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એટલા માટે ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં આ વિજ્ઞાન દિવસની ઉજવણી અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો સાથે કરવામાં આવી હતી.
જેમાં બાળકોની તર્કશક્તિ અને કલ્પના શક્તિ વિકસે તેમજ દરેક ઘટના પાછળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જાણે તે માટે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા તેમના માર્ગદર્શક શિક્ષક કિંજલબેન વડસોલાના માર્ગદર્શન નીચે અવનવા પ્રયોગો રજૂ કર્યા હતા. જેને શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા. આ વિજ્ઞાન પ્રદર્શન બાદ શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણી દ્વારા એક ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફ અને બાળકોએ જહેમત ઉઠાવી હતી.