સિરામિક ક્ષેત્રની દેશની ૭૦ ટકા જરૂરિયાતો સંતોષતા મોરબીના સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના સતત વધતા ભાવ વધારાના લીધે ભયંકર અસર થવાની શક્યતા છે. પ્રોપેન ગેસની અછત વચ્ચે ગુજરાત ગેસ એ ભાવ વધારો ઝીંકતા હવે તેની અસર ઉત્પાદન પર પડવાની વ્યાપક સંભાવના છે.
તાજેતરમાં જ મોરબી સિરામિક ઉદ્યોગ ના વૈશ્વિક માર્કેટમાં વેપાર કર્યા ના આંકડા જાહેર થયા હતા જેમાં છેલ્લા ચાર મહિનામાં ૬૦૦૦ કરોડ કરતા વધુ નો વેપાર કર્યો હોવાના આંકડા સામે આવ્યા હતા.ત્યારે મોરબી સિરામીક ઉદ્યોગ ની આ વૈશ્વિક માર્કેટમાં તેજ ગતિ થી ચાલતી ગાડી માં બ્રેક લાગે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
જેમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસમાં ગુજરાત ગેસ દ્વારા અંદાજિત ૧.૯૦ રૂપિયા જેવો ભાવ વધારો ઝીંકતા સિરામિક પર દર મહિને અંદાજિત ૩૦ કરોડ કરતા વધુ રૂપિયાનું ભારણ વધવની શક્યતાઓ સેવાઇ રહી છે.તેમજ ગેસ ના ભાવ વધારા ને કારણે સિરામિક પ્રોડક્ટ ની પડતર કિંમત ઊંચી જવાના કારણે માર્કેટ રેટ પણ ઊંચો જઈ શકે છે જેથી સસ્તી ટાઇલ્સ આપનાર ચાઇના ની સામે હરિફાઈ કરવામાં મોરબીમાં સિરામિક ઉદ્યોગને કપરા ચઢાણ ચડવાનો વખત આવ્યો છે.અગાઉ કોલસા આધારિત ભઠ્ઠી પર ચાલતા સિરામીક ઉદ્યોગમાં સરકારે કોલ ફાયર નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યાર બાદ ગુજરાત ગેસ દ્વારા અપાતા નેચરલ ગેસ દ્વારા ઉત્પાદન થતું હતું જેમાં પણ ગુજરાત ગેસ દ્વારા વારંવાર અને અસહ્ય ભાવ વધારો કરતા સિરામિક ઉદ્યોગકારોએ વૈકલ્પિક રીતે પ્રોપેન ગેસ નો ઉપયોગ શરૂ કર્યો હતો.ત્યારે હાલમાં પ્રો પેન ગેસ ની અછત ચાલી રહી છે. જેને લઇને સિરામીક ઉદ્યોગ અગાઉથી જ ચિંતામાં છે તેવા સમયે ગુજરાત ગેસ દ્વારા ૧.૯૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાતા સિરામિક ઉદ્યોગકારો માં ગણગણાટ શરૂ થયો છે.