આ દુર્ઘટનામાં ૯૦ કરતા વધુ લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે:મોરબી જિલ્લામાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરાઈ
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે. જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે.૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.