માળીયા(મી) તાલુકાના વિશાલનગર ગામ નજીક રોડ ઉપર ફૂલ સ્પીડે ચલાવી આવતું બાઈક ભેંસ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે માળીયા(મી) પોલીસે અકસ્માત સર્જનાર મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ગઈ તા.૨૫/૧૨/૨૦૨૫ ના રોજ માળીયા(મી) તાલુકાના વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે આવેલા કોઝવે પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં હળવદ તાલુકાના મીયાણી ગામના રહેવાસી અજયભાઈ કરશનભાઈ ઝીઝુંવાડીયા ઉવ.૨૫ પોતાનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એઈ-૦૬૧૩ લઈને ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ લાયસન્સ વગર જતા હતા ત્યારે અચાનક રોડ ઉપર ભેંસ આવી જતા બાઈક ભેંસ સાથે અથડાયું હતું. ત્યારે આ અકસ્માતમાં બાઇક ચાલક અજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે માળીયા(મી) પોલીસ મથકમાં મૃતક અજયભાઈના ભાઈ ગોપાલભાઈ કરશનભાઈ ઝીઝુંવાડીયાની ફરિયાદને આધારે પોલીસે આરોપી બાઇક ચાલક અજયભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









