મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં ટીંબડી પાટીયા પાસે પુરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે કોઈ પણ પ્રકારનું સિગ્નલ આપ્યા વગર બ્રેક મારતા પાછળથી આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે કાર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જયારે ટ્રક ચાલક પોતાનું ટ્રક છોડી સ્થળ પરથી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ ખાતે રહેતા ચંદ્રપાલસિંહ મહાવીરસિંહ જાડેજા નામના વેપારી યુવક ગત તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ પોતાની GJ-18-BJ-2982 નંબરની આઇ-૧૦ કાર લઈ ટીંબડી પાટીયાથી આગળ શ્રી હરી કોમ્પ્લેક્ષની સામેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-36-T-9564 નંબરના ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી અચાનક સાઇડ સીગ્નલ માર્યા વગર ખાલી સાઇડમાં પુરપાટ ઝડપે હાઇવા ટ્રકની બ્રેક મારતા ટ્રક એકદમ રોડ ઉપર ઉભુ રહી ગયેલ હતું. જેથી ટ્રકની પાછળ આવતી ચંદ્રપાલસિંહ મહાવીરસિંહ જાડેજાની આઇ-૧૦ અથડાયેલ હતી. જેના કારણે ફરિયાદીને માથાના પાછળના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.