મોરબી સહિત રાજ્યભરમા જલારામબાપાની 222મી જન્મ જયંતીની ધામધૂમથી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદીર ખાતે આજે જલારામ જયંતિ નિમિતે હોટેલોમાં કામ કરતી પરપ્રાંતીય મહિલાઓ વેઈટરોના હસ્તે કેક કટિંગ કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું હતું.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિ વર્ષ જલારામ જયંતિના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જલારામ જયંતી નિમિતે મંદિરે ભક્તિનો દરિયો ઘુઘવ્યો હતો. આ પ્રસંગે પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉપરાંત દર વર્ષે મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં હોટેલોમાં વેઇટર્સ તરીકે કાર્ય કરતી મહિલાઓના હસ્તે કેક કાપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.