માળીયા(મી) હાઇવે રોડ ઉપર આવેલ સ્વાગત પેટ્રોલ પંપ સામે અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક અચાનક વળાંક લેતા ટ્રક હડફેટે મોટરસાયકલ સવાર કુટુંબી કાકા-ભત્રીજા અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ભત્રીજાને કમરના ભાગે તેમજ હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ માળીયા(મી)ના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા રમજાનભાઈ અને તેમનો કુટુંબી ભત્રીજો અકરમ મોટરસાયકલ રજી.નં. જીજે-૦૧-બીજે-૫૫૦૦વાળું લઈને માળીયા(મી)- મોરબી હાઇવે ઉપર આવેલ સ્વાગત પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતા હોય ત્યારે પેટ્રોલ પંપ સામેથી આજુબાજુ જોયા વગર અચાનક એક ટ્રકના ચાલકે પોતાનો ટ્રક રજી.નં. એમએચ-૧૪-કેએ-૭૪૬૫ એકદમ વળાંક વાળતા મોટરસાયકલ સવાર બંને કાકા-ભત્રીજાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જેમાં કાકા રમજાનભાઈને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે ભત્રીજા અકરમને કમર ઉપર તથા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે રમજાનભાઈના પિતા ફતેમામદ ઇશાભાઈ માલાણીએ માળીયા(મી) પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.