મોરબીના એક વેપારી પોતાનો રૂ.૯૦,૦૦૦/- ની કિંમતની રાખડી ભરેલ થેલો એક રિક્ષામાં ભૂલી જતા વેપારીએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીની ટીમ દ્વારા રીક્ષા ચાલકને શોધી રૂ.૯૦,૦૦૦/- નો રાખડી ભરેલ થેલો તેના મૂળ માલિકને પરત કરાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે તા.૨૮-૦૮-૨૦૨૩ના રોજ દિલીપભાઇ નટવરલાલ પટણી (હાલ રહેવાસી- ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડ,મોરબી મૂળ રહેવાસી- અમદાવાદ) રક્ષાબંધન નિમીતે રાખડી વેચવાનો છૂટક વ્યવસાય મોરબી ખાતે કરતાં હોય જે વ્યવસાય અર્થે તેઓ રાખડી ભરેલ થેલાઓ લઇ નટરાજ ફાટકથી ત્રાજપર ચોકડી તરફ રીક્ષામાં જતાં હતા તે દરમ્યાન પોતાનો રાખડી ભરેલો થેલો કી.રૂ.૯૦,૦૦૦/- નો રિક્ષામાં ભૂલી ગયેલ હતા. જેથી તેઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અરજી કરેલ હતી. જે અરજી અનુસંધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીના VISWAS Project અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં ટીમ નેત્રમ દ્વારા સદર રીક્ષાને શોધી રીક્ષા માલીકનો સંપર્ક કરી રાખડી ભરેલ થેલો પરત મેળવી મૂળ માલીકને ગણતરીની કલાકોમાં રાખડી ભરેલ થેલો પરત અપાવેલ હતો. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કાર્યવાહી બદલ અરજદારે મોરબી પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.