‘લાજયો નહીને ગાજયો’ તદુપરાંત, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
વાંકાનેરના નવા ઢુંવા ગામે જુના ઝઘડાનો ખાર રાખી બોલેરો લઈને આવેલા શખ્સે બોલેરો ગાડી પુરપાટ ઝડપે રિવર્સ લઈને ભોગ બનનારના રહેણાંક મકાનના મેઈન ગેટમાં અથડાવી ગેટ તોડી નાખ્યો હતો. ત્યારે ગેટ પાસે પાર્ક કરેલ બાઇકમાં પણ નુકસાની કરી હતી. જ્યારે બનાવ બાદ બોલેરો ચાલકે છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે બોલેરો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામના વતની હાલ નવા ઢુંવા શેરી નં.૧ માં રહેતા જીતુબેન અશોકભાઇ ચારલા ઉવ.૪૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા રહે. નવા ઢુંવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી જીતુબેન સાથે વિક્રમભાઈ સાથે અગાઉ ઝઘડો થયો હોય તે ઝઘડાનો ખાર રાખી ગત તા. ૧૮/૦૯ના રોજ રાત્રીના ૧ વાગ્યાની આસપાસ આરોપી વિક્રમસિંહ બોલેરો ગાડીમાં ફરિયાદીના ઘર પાસે આવી પોતાની બોલેરો કાર પુરઝડપે રિવર્સમાં લઈ જીતુબેનના રહેણાંક મકાનના મુખ્ય દરવાજા સાથે જોરદાર અથડાવી દરવાજો તોડી નાખ્યો હતો. તથા ત્યાં પાર્ક કરેલ બાઇકને પણ નુકસાની પહોંચાડી હતી. ત્યારબાદ જીતુબેનના દીકરા વિજયને પણ બોલેરો ચાલક વિક્રમસિંહે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બનાવ બાબતે જીતુબેન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિક્રમસિંહ સામે ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.