મોરબી શહેરમાં ઠંડીના માહોલ વચ્ચે શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકોના આરોગ્યની સુરક્ષા હેતુથી મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે વિશેષ નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ફૂટપાથ પર રહેતા લોકોને વિશેષ સમજ આપી આશ્રયગૃહમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકોના રક્ષણ તથા કલ્યાણ માટે તા.૨૬/૦૧ ના રોજ રાત્રીના સમયે વિશેષ નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી. મોરબી ખાતે આવેલ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક કરાયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
નાઈટ-ડ્રાઈવ દરમિયાન યુ.સી.ડી શાખા દ્વારા ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત લઈ કાઉન્સેલિંગ કરી તેમને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત કુલ ૧૬ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. આ સાથે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે વધુને વધુ શહેરી ઘરવિહોણા લોકો આ આશ્રયગૃહનો લાભ લે તેના માટે અનુરોધ કર્યો છે.









