હળવદમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ યાત્રાળુઓને લઈ જતી બસને હળવદના દેવળીયા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસે પલ્ટી મારી હતી. જેના કારણે નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી ત્યારે કડકડતી ઠંડીમાં રજડી પડેલા અન્ય મુસાફરોને પોલીસ મદદ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ યાત્રાએ જતી ખાનગી બસે હળવદના દેવળીયા નજીક પલ્ટી મારી હતી. જે અકસ્માતમાં નવ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે બનાવ અંગે ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ બસ લઈને જતા હતા ત્યારે તેઓએ અચાનક બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે બસ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાવેલ્સમાં 55 થી વધુ યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી પટેલ રાજેશભાઈ પસિયાભાઈ, દીનાબેન અવરાજ ઠાકોર, બાજાજી સોમાજી ઠાકોર, શારદાબેન બિરતક ઠાકોર, બાબુભાઈ બાજાજી ઠાકોર, રહિબેન ચતુરભાઈ ઠાકોર, મંગુબેન શિવાજી ઠાકોર, હુલીબેન લાલજીભાઈ તથા મનજીબેન પ્રતાપભાઈ ઠાકોર ઈજાગ્રસ્ત થતા તેઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યારે આ અકસ્માતને પગલે કડકડતી ઠંડીમાં હાઇવે પર રજળી પડેલા મુસાફરોની વહારે હળવદ પોલીસ આવી હતી અને પોલીસે તમામ ને ઠંડી થી બચવા માટે તાપણું કરવા લાકડા તેમજ ચા પાણી નાસ્તાની અને મુસાફરોને અન્ય વાહન ની વ્યવસ્થા કરી આપી હતી.