મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. શહેર વિસ્તારમાં આવેલી તમામ ઊંચી ઇમારતો, હોટેલ, શૈક્ષણિક, સંસ્થાકીય, વેપાર, જોખમી તેમજ એસેમ્બલી પ્રકારની ઇમારતોના માલિકો, કબ્જેદારો અને સંચાલકોને તાકીદે ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવી ૩૦ દિવસની અંદર માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત કરાયું છે. પાલન ન થવા પર પેનલ્ટી ઉપરાંત બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ-૨૦૧૪ તથા એક્ટ રૂલ્સ-૨૦૨૪ મુજબની જાહેર નોટિસ બહાર પાડી છે. હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ અંતર્ગત મળેલા આદેશ બાદ પાલિકાએ કડક પગલાં લેવા તાકીદ કરી છે. નોટીસ મુજબ શહેર વિસ્તારમાં આવેલી ૧૫ મીટરથી વધુ ઊંચી તમામ ઇમારતો, હોટેલ, શૈક્ષણિક, સંસ્થાકીય, વેપાર, વેપારગૃહો, જોખમી અને મિશ્ર પ્રકારની ઇમારતો (જ્યાં કોઈપણ માળ ૫૦૦ ચો.મી.થી વધુ હોય), ૯ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી શૈક્ષણિક અને સંસ્થાકીય ઇમારતો, બધી એસેમ્બલી ઇમારતો અને બહુમાળી કાર પાર્કિંગ, જોખમી ઇમારતો (જેઓ ફેક્ટરી એક્ટ હેઠળ આવતી નથી), બે ભોંયરાં કે ૫૦૦ ચો.મી.થી વધુ વિસ્તાર ધરાવતા ભોંયરાંવાળી ઇમારતોમાં ફરજિયાત ફાયર સેફ્ટી સિસ્ટમ હોવી જરૂરી છે.
આ ઉપરાંત બિલ્ડીંગ માલિકો અને સંચાલકોને ગુણવત્તાસભર ફાયર પ્રિવેન્શન-પ્રોટેક્શન સાધનો સ્થાપિત કરવા, છ મહિને એક વખત મોક ડ્રિલ યોજવા તથા સ્ટાફને જરૂરી ટ્રેનિંગ આપવાની ફરજ રહેશે. ઉપરાંત સાધનોને હંમેશા કાર્યરત રાખવાનું અનિવાર્ય રહેશે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે સંબંધિતોએ gujfiresafetycop.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે નોટિસ સાથે આપેલા QR કોડનો ઉપયોગ કરી શકાય છે. મહાપાલિકા દ્વારા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ૩૦ દિવસમાં જરૂરી અમલ કરી માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવામાં નહીં આવે તો સંબંધિત બિલ્ડીંગ પર કાનૂની કાર્યવાહી, પેનલ્ટી તેમજ સીલ સુધીના કડક પગલાં લેવાશે. ઉપરાંત, આગ અથવા અકસ્માતની ઘટના બને તો તેની કાનૂની જવાબદારી માલિકો, કબ્જેદારો અને સંચાલકોની જ રહેશે