કોરોના મહામારી દરમિયાન પોલીસ દ્વારા જે આરોપીઓની અટકાયત કરવામાં આવતી હતી. તે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા તેઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે કોરોના મહામારી ન હોવાથી અગાઉના તમામ પરિપત્રોને રદ કરી કોરોના ટેસ્ટ વગર જ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર કરી માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ડો. નીલમ પટેલ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા અટક કરેલ આરોપીઓને ન્યાયાલય સમક્ષ રજુ કરતી વખતે અગાઉ જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં દેશ અને રાજ્યમાં કોવિડ-૧૯ ના કેસોની સંખ્યા નહીવત હોય તથા (WHO) વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી નહી તેમ જાહેર કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈને અટક કરેલ આરોપીઓને ન્યાયાલય સમક્ષ રજુ કરતી વખતે કોવિડ-૧૯ ના ટેસ્ટ કરવા માટેના પરિપત્રો રદ કરવામાં આવે છે. તેમ ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ડો. નીલમ પટેલ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.