મોરબી: નવા વર્ષે ગુજરાત NSUIના સંકલ્પ રૂપે “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત મોરબીની OMVVIM કોલેજ ખાતે કાર્યક્રમ યોજી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સ ન લેવાની અને ન લેવા દેવાની શપથ લેવડાવવામાં આવી હતી.
NSUI મોરબી દ્વારા મોરબીની OMVVIM કોલેજ ખાતે “ડ્રગ્સ ફ્રી કેમ્પસ” કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે ડ્રગ્સ એ રાજકારણનો વિષય નથી, પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલ ગંભીર સામાજિક પ્રશ્ન છે, જેને નાથવા NSUI આગળ આવી છે. નવા વર્ષે ગુજરાત NSUIના સંકલ્પ “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અંતર્ગત સમગ્ર ગુજરાતની કોલેજોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને “હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં” તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વક્તાઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ૧૮થી ૨૫ વર્ષના યુવાનો મોટી સંખ્યામાં ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે અને ગુજરાતમાં અંદાજે ૨૦ લાખ યુવાનો ડ્રગ્સ-દારૂના બંધાણી બન્યા હોવું ગંભીર બાબત છે.
મોરબી NSUI દ્વારા યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટે કરાયેલા આ પ્રયાસને ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ શપથ લઈને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, ગુજરાત NSUIના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ડો. રુકમુદિન માથકીયા, મોરબી જીલ્લા NSUIના ઉપપ્રમુખ રાજભાઈ ટુંડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શપથ લેવડાવી અભિયાનને વેગ આપ્યો હતો.









