માળીયા મી.નાં જુના ઘાંટીલા ગામે ટ્રેક્ટરના ચાલકે પાછળ જોયા વગર સ્પીડમાં રિવર્સ લેતા ત્યાં રમી રહેલ ત્રણ વર્ષીય બાળકીના માથા પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે બાળકીનાં માતા દ્વારા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં.નાં જુના ઘાંટીલા ગામે ઇબ્રાહીમભાઇ હમીરભાઇ ચાનીયાની વાડીયે રહેતા મૂળ અલીરાજપુરનાં લીલાબેન નરભુભાઇ અજનારની ત્રણ વર્ષીય દીકરી ક્રિષ્મા ગત તા.૨૭/૧૧/૨૦૨૩ ના સાંજના સમયે જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમા ઇબ્રાહીમભાઇ ચાનીયાની વાડીએ રમતી હતી. ત્યારે જીજે-૩૬-બી-૭૦૯૧ નંબરનાં ટ્રેક્ટરના ચાલકે પોતાના હવાલા વળી ટ્રેક્ટર ગફલતભરી રીતે માનવીની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી રિવર્સમા ચલાવી આવતા પાછળ બાળકી રમતી હોય જેની માથે ચડાવી દેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકીનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે બાળકીની માતાએ માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.


                                    






