ઉચ્ચ અધિકારી/ પદાધિકારી સાથે ગ્રામજનો પણ કાર્યક્રમમાં સહભાગી બની ઉજવશે મારી માટી મારો દેશ
સમગ્ર દેશમાં જ્યારે મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણા મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આવતી કાલથી એટલે તા.૧૦ ઓગસ્ટથી મોરબી જિલ્લો આ અભિયાનમાં જોડાઈ રહ્યો છે.
તા.૧૦ ઓગસ્ટથી મોરબી જિલ્લાના અલગ-અલગ ગામમાં કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે ૧૦ વાગ્યે મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા ઘુંટુ ગામે, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા વાવડી ગામે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી રાજપર(મોરબી) ગામે યોજાનાર કાર્યક્રમાં હાજર રહી માટીને નમન કરશે અને વીરોને વંદન કરશે.
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતો ખાતે શિલાફલકમ્ કરી આઝાદીની લડતમાં સહભાગી બનેલ અનેક વીરોને યાદ કરવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન ગામની માટી એક કળશમાં એકત્ર કરવામાં આવશે. જે ૧૭ ઓગસ્ટના રોજ વાજતે-ગાજતે બ્લોક લેવલે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. આ કાર્યક્રમમાં જે-તે ગામના નાગરીકો, અગ્રણીઓ તેમજ બાળકો બહોળી સંખ્યામાં સહભાગી બનશે. કાર્યક્રમના ભાગરૂપે ગામમાં ૭૫ વૃક્ષો વાવી અમૃત વાટીકા પણ ઉભી કરવામાં આવશે.