લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને વહીવટી સુદ્રઢીકરણ માટે કલેક્ટરશ્રીનો હકારાત્મક અભિગમ.
મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર વધુ ગતિશીલ, પારદર્શક અને લોકોની સેવામાં સજ્જ બને તે હેતુથી જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ ૧૭ જેટલી સરકારી કચેરીઓની આકસ્મિક તપાસ કરી વહીવટી શિસ્ત અને કર્મચારીઓની હાજરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તથા સેવાઓનો લાભ નિયત સમયમાં મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ, રેન્જ ફોરેસ્ટ કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ પેટા વિભાગ-૧, મચ્છુ-૩ બાંધકામ પેટા વિભાગ-૩, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, શ્રમ અને રોજગાર, સીટી સર્વે કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી, જી.એસ.ટી. કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નાયબ બાગાયત કચેરી, ફીશરીઝ કચેરી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ-૬/૧, નાયબ ખેતી નિયામક કચેરી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (યાંત્રિક) તેમજ જળ સિંચન પેટા વિભાગમાં કર્મચારીઓની હાજરી બાબતે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તમામ કચેરીઓ મળી કુલ ૧૨ જેટલા કર્મચારી ગેરહાજર નોંધાયા હતા. કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી અને અનિયમિતતાની બાબત કલેક્ટરે ધ્યાને લઈ આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા સબંધિત કચેરીના વડાઓને કડક સૂચના આપી હતી.
જીલ્લા વહીવટી તંત્રની આ કાર્યપદ્ધતિ પાછળ કલેક્ટરનો હકારાત્મક અભિગમ રહ્યો છે કે, સરકારી તંત્ર લોકો માટે છે અને કચેરીઓમાં કામકાજની શિસ્ત જળવાઈ રહેવાથી જ લોકશાહીના કાર્યોમાં વેગ આવે છે. આ આકસ્મિક તપાસ દ્વારા કચેરીઓના વહીવટમાં વધુ સુદ્રઢતા આવશે અને કર્મચારીઓમાં જવાબદારીનો ભાવ દ્રઢ થશે. મોરબી જીલ્લા સેવા સદન અને અન્ય વિસ્તારોમાં આવેલી આ કચેરીઓની મુલાકાત દરમિયાન લોકોના પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જીલ્લા કલેક્ટર દ્વારા સમયાંતરે કરવામાં આવતી આ પ્રકારની કાર્યવાહીને કારણે વહીવટી તંત્ર વધુ લોકાભિમુખ બન્યું છે.









