મોરબી શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મંદિરોમાં દર્શન કરી હિન્દુ સમાજને ભવ્ય અને દિવ્ય રીતે તહેવાર ઉજવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આજે તા.2 એપ્રિલ 2026ના રોજ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના જવાબદાર કાર્યકર્તાઓએ શહેરના ખત્રીવાડ હનુમાનજી મંદિર તેમજ દરબારગઢ હનુમાનજી મંદિરે જઈ ભગવાન હનુમાનજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓએ ભક્તોને મળી હનુમાન જયંતિ સહિત તમામ ધાર્મિક તહેવારો સમરસતા અને એકતાથી ભવ્ય રીતે ઉજવવા માટે પ્રેરણા આપી હતી. ઉપરાંત, સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા નગર દરવાજા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જોડાઈ સમાજના આગેવાનો અને વડીલો સાથે ભક્તિભાવથી ઉજવણી કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.









