વાંકાનેર તાલુકાના કોઠી ગામે વર્ષ ૨૦૦૪માં છેડતીના બનાવ બાદ બે પરિવારના સભ્યો દ્વારા સામસામે મારામારી કરી એકબીજા ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રથમ કેસમાં છેડતી બાદ જીવલેણ હુમલાના સાતેય આરોપીને ૧૦ વર્ષની કેદની સજા થઈ હતી ત્યારે સામાપક્ષે કરેલ જીવલેણ હુમલાની ફરિયાદનો કેસ પણ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને ૧૦વર્ષની કેદ અને રૂપિયા ૯ હજારનો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા ૨ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. ત્યારે આ કેસમાં અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા.
વાંકાનેર તાલુકાના કોઠી ગામે વર્ષ ૨૦૦૪ માં કોઠી ગામે રહેતા નાગજીભાઈ દેવાભાઇ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આઠ આરોપીઓએ નાગજીભાઈ તથા તેના પરિવારના સભ્યો ઉપર કુંડલીવાળી લાકડીઓ તથા ધારિયા વડે ગેરકાયદેસર મંડળી રચી આરોપી સતા લાખા મુંધવા, મેઘા નોંઘા મુંધવા, ખેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા, બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખા મુંધવા સહિતનાઓએ હુમલો કર્યો હતો અને આરોપી સતા લાખા મુંધવાએ કુંડલી વાળી લાકડી અને ધારિયા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાબતની ફરિયાદના આધારે પોલીસે આઠેય આરોપીઓની અટક કરી તમામ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી નામદાર કોર્ટ હવાલે કર્યા હતા.
ઉપરોક્ત કેસ હાલ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા ૧૯ મૌખિક પુરાવા તથા ૩૧ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ તેમજ સરકારી વકીલ વિજયભાઈ જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીયાની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સતા લાખા મુંધવાને ૧૦ વર્ષની કેદ તેમજ ૯ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ અન્ય સાત આરોપીઓને આ કેસમાં શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. ઉપરાંત આ કેસના ફરીયાદી અને ઇજાગ્રસ્ત એવા નાગજીભાઈએ વળતર રૂપે રૂ.૨ લાખ તેમજ આરોપીની દંડની રકમ પણ એમ કુલ મળી ૨.૦૯ લાખ ચૂકવવા આદેશ જારી કરાયો હતો.