મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ નાસ્તાની પતરાવાળી દુકાનમાંથી એસ.ઓ.જી. ટીમે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૨ કિલો ૬૦૬ ગ્રામ ગાંજા સાથે એક ઉત્તર પ્રદેશના વતનીને ઝડપી લઈને કુલ રૂ.૧.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમનેને બાતમી મળી હતી કે લીલાપરથી નવાગામ જવાના રસ્તે એડવાસેરા સેનેટરીવેર કારખાના સામે આવેલી પતરાવાળી નાસ્તાની દુકાનમાં ઉદયભાઈ રામખેલાવન વર્મા (મૂળ ઉત્તરપ્રદેશ) વાળો ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખી ગુપ્ત રીતે ગ્રાહકોને વેચાણ કરતો હતો. જેથી મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતા આરોપી પાસેથી કુલ ૨ કિલો ૬૦૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ સાથે પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો, રોકડ રકમ, વજન ડાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧,૧૬,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.









