મોરબી નવલખી ફાટક નજીક આવેલ ગાયત્રી આશ્રમની પાછળ ધુતારી નામે ઓળખાતા વોકળા નજીક મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે રેઇડ કરી મોટા ઘાસ તથા બાવળની ઝાડીઓમાં વેચાણ અર્થે છુપાવી રાખેલ વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે મિત્રો સાથે ભાગીદારીમાં વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ અન્ય બંને આરોપીને ફરાર દર્શાવી કુલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે નવલખી ફાટક નજીક આવેલ ગાયત્રી આશ્રમ પાછળ ધૂતારીના વોકળા નજીક રેઇડ કરતા આરોપી વસંત જેરાજભાઈ વાઘેલા ઉવ.૨૩રહે. ધુતારી રોકડીયા હનુમાનજી મંદિર પાછળને વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીની આગવી ઢબે પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો તેના બે મિત્રો આપી ગયા હોય અને ભાગીદારીમાં વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતા હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે અન્ય બે આરોપી વિશાલ પ્રવીણભાઈ શેખાણી રહે. લાયન્સનગર મોરબી તથા રમજાન ગુલામહુશેન મોવર રહે.લાતી પ્લોટ શેરી નં૧૩ને ફરાર દર્શાવી તેને પકડી પાડવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.