મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે તાલુકાના બંધુનગર ગામ નજીક આવેલ કોમ્પ્લેક્ષની દુકાનમાં દરોડો પાડી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા ૧ કિલોથી વધુના જથ્થા સાથે વાંકાનેરના એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે એસઓજી પોલીસ ટીમની પ્રાથમિક પૂછતાછમાં આ માદક પદાર્થ ગાંજો વાંકાનેરના જ એક ઈસમ પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવ્યો હોવાનું જણાવતા, સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સ્થળ ઉપરથી ગાંજાનો જથ્થો, વજન કાંટો, પ્લાસ્ટિકના બેગ, આઈફોન મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૩૦,૦૭૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર ટાઉનમાં લક્ષ્મીપરા શેરી નં.૩ માં રહેતો અકિલ ઉર્ફે અલ્ફેઝ મોરબી તાલુકાના બંધુનગર ગામે વેરોના સીરામીક સામે આવેલ કોમ્પ્લેક્ષની પોતાની દુકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે એસઓજી ટીમ દ્વારા કોમ્પ્લેક્ષની દુકાન નં.૧૧૦માં રેઇડ કરતા, આરોપી અકિલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયા ઉવ.૨૨ વાળો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૧ કિલો ૨૬૭ ગ્રામના જથ્થા સાથે પકડાઈ ગયો હતો, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી વજન કાંટો, પ્લાસ્ટિકની નાની બેગ, આઈફોન મોબાઇલ સહિત કિ.રૂ.૩૦,૦૭૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, બીજીબાજુ પકડાયેલ આરોપી અકિલ ઉર્ફે અલ્ફેઝની પૂછતાછમાં આ ગાંજો વાંકાનેરમાં લક્ષ્મીપરા શેરી નં.૧ માં રહેતા આરોપી જુનેદ માંડલીયા પાસેથી મેળવી બંધુનગર સ્થિત કોમ્પ્લેક્ષની દુકાનમાં છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા, પોલીસે ગાંજો આપનાર આરોપીને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.