મોરબીમાં નશાકારક મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો કાળો કારોબાર કરતા એક ઇસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પાસેથી ૨૮ ગ્રામથી વધુ ડ્રગ્સ, ડિજિટલ વજન કાંટો, મોબાઇલ અને કાર સહિત રૂ.૫.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં મુંબઈના ચીરાગ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. હાલ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં નશાકારક પદાર્થોના વેપાર કરનારા ઉપર અંકુશ લાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એમડી ડ્રગ્સના કારોબરનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગઈકાલ તા. ૧૬ ઓક્ટોબરના રોજ દિવાળી તહેવારને ધ્યાને લઈ પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર નં. જીજે-૨૭-સી-૧૩૬૧ રોકી તે કારની તલાસી લેતા, કારમાં બેઠેલા વ્યક્તિ પાસેથી નશાકારક મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કારચાલક આરોપી યોગેશ રતિલાલભાઈ દસાડીયા રહે. એપલ હાઈટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૨ રવાપર ઘુનડા રોડ મોરબી મુળ સાદુળકા ગામ તા.મોરબી વાળા પાસેથી ૨૮ ગ્રામ ૭૮૦ મીલીગ્રામ જેટલો એમ.ડી. ડ્રગ્સ, ડિજિટલ વજન કાંટો, મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની કોથળીઓ અને કાર મળી કુલ રૂ.૫,૮૩,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં, પકડાયેલ આરોપીનો અગાઉનો ગુન્હાહીત ઇતિહાસ પણ ખુલ્યો છે. તે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટ હેઠળના કેસમાં હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયો હતો. હાલ આરોપી યોગેશ દસાડીયાની પૂછપરછ દરમ્યાન આરોપીએ જણાવ્યું કે ડ્રગ્સ મુંબઈના ચીરાગ પટેલ નામના શખ્સ પાસેથી મેળવ્યુ હતું. ત્યારે પોલીસે આરોપી ચીરાગ પટેલને આ કેસમાં ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે