મોરબી શહેરના વજેપર શેરી નં.૨૩ માં આવેલ રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે શહેર પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી તથા દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો તેમજ તૈયાર દેશી દારૂ સાથે મકાન માલીક આરોપીની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, જ્યારે પકડાયેલ આરોપીને દહાડી ઉપર રાખી દેશી દારૂનો વેપલો કરતા મુખ્ય આરોપી રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, વજેપર શેરી નં.૨૩માં રહેતા સુરેશ ઉર્ફે સુડો અને તેનો ભાણેજ રાજભાઈ ઉર્ફે જીગલો અદ્રેશા વજેપર શેરી નં.૨૩માં આવેલ પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેથી પોલીસે તાત્કાલિક રાજ ઉર્ફે જીગલાના રહેણાંકમાં રેઇડ કરતા જ્યાંથી ૧૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ૫ લીટર દેશી દારૂ તથા દેશી દારૂની ભઠ્ઠીની સાધન સામગ્રી સહિત રૂ.૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી રાજભાઈ ઉર્ફે જીગલો ભીમજીભાઈ આદ્રેશા ઉવ.૨૩ ની અટક કરવામાં આવી છે, જ્યારે આ દેશી દારૂનો મુખ્ય આરોપી સુરેશભાઈ ઉર્ફે સુડો લક્ષ્મણભાઇ થરેશા રહે.વજેપર શેરી નં.૨૩ વાળાની આ દેશી દારૂની ભઠ્ઠી હોય અને પકડાયેલ આરોપી રાજભાઈને રોજમદાર તરીકે કામે રાખી દેશી દારૂની ભઠ્ઠીનું સંચાલન કરતો હોય ત્યારે હાલ પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









