રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિ કાંડ થયો છે. ટીઆરપી ગેમ ઝોનમાં 15 દિવસ પહેલા જ નોકરી કરવા માટે આવેલા વીરપુરના જીગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી આગના સમયે અન્ય લોકોને બચાવવા જતાં મોતને ભેટ્યા હતા. જીગ્નેશભાઈના ૧૨ વર્ષના પુત્ર સાથે DNA મેચ થતાં સરકારી હોસ્પિટલ ખાતેથી મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. યાત્રાધામ વીરપુર ખાતે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ગોઝારી ઘટના બની છે જેમાં અનેક પરિવારના લોકો જીવતા ભુંજાયા છે ત્યારે વીરપુર જીગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી ઉંમર વર્ષ 28 ટીઆરપી ગેમ ઝોનમાં 15 દિવસ પહેલા જ નોકરી કરવા માટે આવ્યા હતા. અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે જતા તેઓ મોતને ભેટયા છે. જીગ્નેશભાઈના મોતના પગલે બાર વર્ષના બાળકે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક જીગ્નેશ ભાઈના પિતા પણ નથી તેઓના સગાના જણાવ્યા મુજબ જીગ્નેશભાઈ પાંચ બહેનોમાં એક જ ભાઈ હતા. અને તેમના પત્નીનું નામ ખ્યાતિબેન છે. જીગ્નેશ ભાઈના પરિવારોએ જણાવ્યું છે કે જીગ્નેશભાઈ સાથે તેમના 12 વર્ષે પુત્ર હર્ષના ડીએનએ મેચ થઈ ગયા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યો તેની થોરાળા પીએસઆઇ ચુડાસમાએ ફોન દ્વારા જાણ કરી હતી. જેથી સવારે 9:00 વાગે તેઓ પીએમ રૂમ ખાતે આવ્યા હતા અને મૃતદેહનો નંબર લખ્યો અને રિપોર્ટ નંબર 21 હતો જેનો વિડીયો ઉતાર્યો અને તેઓને કહ્યું કે DNA રિપોર્ટ આપી અને મૃતદેહ સોંપ્યો હતો. ત્યાર બાદ મૃતક જીગ્નેશ ભાઈ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર ખાતે નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે જીગ્નેશ ગઢવીના પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. જીગ્નેશ ભાઈ ગઢવીની અંતિમક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ખાતે કરવામાં આવી હતી. મૃતક યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેતપુર મામલતદાર અને TDO સહિતના અધિકારીઓ પણ વીરપુર પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પરિવારજનોએ કરી હતી.