પોલીસે બાઇક, મોબાઇલ તથા વિદેશી દારૂના જથ્થા સહિત ૪૮,૭૮૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે બાઇકમાં વિદેશી દારૂની બે બોટલ સાથે નીકળેલ શખ્સની અટકાયત કરી હતી ત્યારે વધુ ૨૮ નંગ વિદેશી દારૂની બોટલ પકડાયેલ શખ્સની વાડીમાં બાવળની ઝાડીમાં છુપાવેલ હોય તે કબ્જે લઈ કુલ ૩૦ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂના કાળા કારોબારમાં ભાગીદાર આરોપી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ પોલીસને બાતમી મળી કે હળવદ ટાઉનમાં રહેતા બે ઈસમો ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરતા હોય જે પૈકી આરોપી હસમુખ ઉર્ફે હસુ ખીમજીભાઈ ચાવડા સ્પ્લેન્ડર બાઇક રજી.નં. જીજે-૩૬-પી-૪૬૪૭માં વિદેશી દારૂની બે બોટલ લઈ નીકળવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત આરોપી હસમુખ ઉર્ફે હસુને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની હળવદ આસ્થા રોડ ખાતે આવેલ વાડીમાં બાવળની ઝાડીઓમાં છુપાવી રાખેલ વધુ વિદેશી દારૂની ૨૮ બોટલ મળી આવતા પોલીસે આરોપી હસમુખ ઉર્ફે હસુ ખીમજીભાઇ ચાવડા ઉવ.૩૪ રહે.વિશ્વપાર્ક સોસાયટી કન્યા છાત્રાલયની બાજુમાં હળવદવાળાની અટકાયત કરવામાં આવી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૦ નંગ બોટલ, સ્પ્લેન્ડર બાઇક, વિવો કંપનીનો મોબાઇલ સહિત કુલ રૂ.૪૮,૭૪૫/- નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. જ્યારે ગેરકાયદેસર વિદેશી દારૂના કારોબારનો બબગીદાર આરોપી મેહુલ રમણીકભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદવાળો સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને શોધવા તપાસ ચલાવી છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.