માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામ નજીક મોટર સાયકલ સવાર બે મિત્રોને કારચાલકે હડફેટે લેતા એકનું મોત નિપજ્યું છે જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે જે અંગે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી)ના વવાણીયા ગામે ભરવાડવાસમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મસો બાબાભાઈ ખીંટ ઉવ.૩૬ અને તેમનો મિત્ર કે જે વવાણીયા ગામે દુધની ડેરી ધરાવતા રાજેશભાઇ લખમણભાઈ વીરડા ગઈ તા.૧૩/૦૬ ના રોજ રાત્રીના બંને મિત્રો રાજેશભાઈનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ડીઆર-૯૨૦૪ લઈને વર્ષામેડી ગામે દૂધ ભરવા ગયા હોય જ્યાંથી પરત આવતા, રાજેશભાઈનો પીપળીયા ચાર રસ્તે કામ હોય જેથી ત્યાં કામ પૂર્ણ કરી ફરી વવાણીયા ગામ પરત જઈ રહ્યા હોય તે દરમિયાન નાના દહીંસરા ગામના પાટીયા નજીક પાછળથી આવતી હુંડાઈ ઓરા કાર રજી.નં. જીજે-૩૬-એજે-૫૮૮૩ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી મોટર સાયકલનો ઓવરટેક કરવા જતાં, મોટરસાયકલને પાછળથી ઠોકરે ચડાવ્યું હતું, કારની ટક્કરથી મોટર સાયકલ સવાર બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા, જેમાં મોટર સાયકલ ચાલક રાજેશભાઇ વીરડાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મહેશભાઈ ઉર્ફે મસોને નાની મોટી ઇજાઓ અને નાકના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મહેશભાઈએ ઉપરોક્ત કાર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે