ટંકારાના લતીપર હાઇવે ઉપર માર્ગ અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે આવતી બોલેરો ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા, સામેથી આવતી અન્ય બોલેરો ગાડીને સામેના ભાગે જોરદાર ટક્કર મારતા તેના ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તે જ બોલેરોમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોચતા ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ઘુંટુ ગામમાં હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામના વતની અનિરુદ્ધભાઈ ડાયાભાઇ ઓડીયા બોલેરો ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૬૪૩૨માં ભાડા કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે ગઈ તા.૦૧/૦૭ ના રોજ તેઓ જામનગરથી ટંકારા તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન ટંકારાના લતીપર હાઇવે ઉપર સરાયા ગામથી હીરાપર ગામ વચ્ચે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી અન્ય બોલેરો ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૮૧૫૦ ના ચાલકે પોતાની બોલેરો ફૂલ સ્પીડમાં ચલાવી આવતા હોય તે દરમિયાન બોલેરો ગાડી ઉપર કાબુ ગુમાવતા, સામેથી આવતી અનિરુદ્ધભાઈની બોલેરો સાથે સામેથી એકદમ ભટકાળી દઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં અનિરુદ્ધભાઈને માથામાં અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, સાથે જ અનિરુદ્ધભાઈની બોલેરોમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતની આ ઘટનામાં મૃતક અનિરુદ્ધભાઈના મોટાભાઈ વિનોદભાઈ ડાયાભાઇ ઓડીયાએ ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બોલેરો ગાડી રજી.નં. જીજે-૩૬-વી-૮૧૫૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તેમજ એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.