વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર વતન હોટલે જમીને બે રાજસ્થાની મિત્રો રોડ સાઈડમાં ઉભા હોય તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ કારે બંને મિત્રોને ઠોકરે ચડાવ્યા હતા, જે અકસ્માતની ઘટનામાં એક મિત્રને માથામાં તથા હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી, જ્યારે સાથેના મિત્રને શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના ગોલીયાર ગામે રહેતા નુરાખાન સફુરખાન કુંભાર ઉવ.૨૫ અને તેનો મિત્ર સિકંદરખાન અબ્બાસખાન બંન્ને ગઈ તા.૦૧/૦૫ ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલ વતન હોટલે જમીને રોડ પર ઉભા હતા ત્યાંરે વાંકાનેર બાઉન્ટ્રી તરફથી એક કાર (ફોરવ્હીલ) રજી.નં.જીહે-૩૬-એલ-૯૨૨૯ વાળીના ચાલકે પોતાની કાર પુરઝડપે બેફીકરાયથી ચલાવી આવી નુરાખાન સફુરખાન કુંભાર અને તેની સાથેના સિકંદરખાન સાથે ભટકાડતા નુરાખાનને માથાના ભાગે તથા જમણા હાથે ઇજા પહોચી હતી તથા સિકંદરખાનને ડાબા પગે સાથળના ભાગે તથા કાંડાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ફોરવ્હીલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.