હળવદ-મોરબી હાઇવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યા અંગેના મામલે આરોપી અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે, જેમાં અજાણ્યા બાઇકચાલકે બેદરકારીપૂર્વક અને પુર ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. હાલ મૃતકના પુત્રની ફરિયાદને આધારે તાલુકા પોલીસે મોટર સાયકલના રજીસ્ટર નંબરને આધારે આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના મહેન્દ્રનગર નજીક ધર્મમંગલ સોસાયટી-૨ માં રહેતા મૂળ કુતિયાણા જી.પોરબંદરના વતની હાર્દિકભાઈ કિશોરભાઈ નૈનુજી ઉવ.૨૫એ તાલુકા પોલીસ મથકમાં આરોપી મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીએચ-૧૮૪૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૩/૦૩ના રોજ ફરિયાદીના પિતાજી સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૦૨-એસ-૫૯૧૪ ઉપર ઉંચી માંડલ નજીક જારકો સિરામિકથી પોતાના ઘરે મહેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હળવદ-મોરબી હાઇવે પર રામકો વિલેજ સોસાયટીના ગેટ પાસે સામે તરફથી આવેલ સ્પ્લેન્ડર બાઇક જીજે-૦૩-સીએચ-૧૮૪૦ના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી ફરિયાદીના પિતાજીના મોટર સાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં ફરીયાદીના પિતાજીને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી નહોતી. હાલ મોરબી તાલુકા પોલીસે ઉપરોક્ત મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









