મોરબીમાં ગઈકાલના રાત્રીના શકત શનાળા નજીક આવેલ હોથલ હોટલ નજીક બેઠેલા મિત્રો હથિયાર જોતા હોય ત્યારે તેમાંથી અચાનક મિસફાયરિંગ થઈ જતા એક યુવક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આગળની તપાસ ચલાવી છે. હાલ પોલીસ મથકથી જાણવા મળતી માહિતી મુજબ હથિયાર ધારક તથા ઇજાગ્રસ્ત એમ બંને વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામ નજીક હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હોય ત્યારે મોન્ટુ નામના મિત્ર પાસે પિસ્તોલ(હથિયાર) હોય, જે હથિયાર ત્યાં બેઠેલા મિત્રો જોઈ રહ્યા હોય ત્યારે મહિપતસિંહ નામનો યુવક હથિયાર હાથમાં લઈને જોઈ રહ્યો હોય તે દરમિયાન અચાનક હથિયારમાંથી ફાયરિંગ થતા મહિપતસિંહને સાથળના ભાગે ઇજા થઇ હતી. ત્યારે ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા, સીટી એ ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી બનેલ બનાવની ઇજાગ્રસ્ત યુવક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હથિયાર ધારક મોન્ટુ પલ્લવભાઈ રાવલ તથા ઇજાગ્રસ્ત મહિપતસિંહ અનુરુદ્ધસિંહ જાડેજા એમ બંને વિરુદ્ધ બીએનએસની લાગુ પડતી કલમ થતા જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હથિયાર પરવાનાવાળું છે કે ગેરકાયદેસર તે દિશામાં તપાસ શરૂ કરી છે.