મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી-માળીયા હાઇવે પર રોડની સાઈડમાં પાર્ક કરેલ એક ડમ્પરની પાછળ પુરપાટ ઝડપે આવતી બાઈક ધડાકાભેર અથડાતા બાઈક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં બહાદુરગઢ,અવધ માઈક્રોન્સ પાવડરના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ મહીસાગર જિલ્લાના કનુભાઈ ફુલાભાઈ બારીઆએ ગત તા-૨૩/૦૧/૨૦૨૪ના રોજ બપોરનાં સમયે પોતાનું GJ-36-T-4623 નંબરનું ડમ્પર મોરબી-માળીયા હાઇવે પર કાવેરી સીરામીકની સામે,મુરલીધરની હોટલ પાસે રોડની સાઈડમા રાખેલ હોય તે દરમ્યાન GJ-3-EF-1384 નંબરની મોટરસાઇકલનાં ચાલક યુવકે પોતાનું મોટર સાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરીતે ચલાવી નીકળતા રોડની સાઈડમા પાર્ક કરેલ ડમ્પરની ડ્રાઈવર સાઈડના પાછળના ઠાઠાના ભાગે ધડાકાભેર અથડાતા મોટરસાઈકલ ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.