મોરબી તાલુકાના રંગપર ગામે ડબલ સવારી બાઇકના ચાલકે પોતાનું મોટર સાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા, વાહન ઉપર કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં વાહન ચાલકને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચી હતી, જ્યારે બાઇકની પાછળ બેઠેલ યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માત મામલે મૃતકના કુટુંબી કાકાની ફરિયાદને આધારે પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ઓડીસા રાજ્યના કલા હાંડી જીલ્લાના રૂપરા રોડ બરગાવના વતની હાલ રંગપર ગામની સીમમાં સનમાર્ક સીરામીક લેબર કોલોનીમાં રહેતા અજય સદા માંજી ઉવ.૩૩ એ મોટર સાયકલ રજી.નં. એમપી-૪૨-ઝેડએફ-૦૪૯૨ના ચાલક પવન ઉર્ફે પિન્ટુ હરિચરન પુરબીયા રહે. હાલ રંગપર વિરાટનગર વોલ્ગા સીરામીક મૂળ મધ્યપ્રદેશ રાજ્યના શાજાપુર જીલ્લાના અલીસરીયા ગામના રહેવાસી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૦૬/૦૨ના રોજ રાત્રીના ઉપરોક્ત આરોપી પવન ઉર્ફે પિન્ટુ અને ફરિયાદીનો કુટુંબી ભત્રીજો તકધાર ઉર્ફે મનોજ કૃપા માંજી ઉવ.૨૪ રહે. વોલ્ગા સીરામીક રંગપર વાળો એમ બન્ને મોટર સાયકલ લઈને આરોપી પવન ઉર્ફે પિન્ટુના સાળાને મુકીને પરત આવતા હોય તે દરમિયાન આરોપી પવન ઉર્ફે પિન્ટુએ પોતાના હવાલા વાળું મોટર સાયકલ ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવતા, મોટર સાયકલ ઉપર કાબુ ગુમાવ્યો હતો, અને મોટર સાયકલ સ્લીપ થતા, બન્ને રોડ ઉપર પટકાયા હતા, જેમાં તકધાર ઉર્ફે મનોજનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે આરોપી પવન ઉર્ફે પિન્ટુને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









