રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે મોરબીના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ પરથી ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેમાં રાજકોટના ચંપકનગરમાં રહેતા જમીન મકાન લેવેચનું કામ કરતાં અને ભાજપના પૂર્વ કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા પટેલ (ઉ.વ.૪૬) એ વિનુભાઇ તળશીભાઇ અઘારા (રહે. રવાપર, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ગત તા.૧૭/૦૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબીમાં આવેલ વકીલની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું આરોપી વિનુભાઇએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવ્યા હતા. ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી ફરિયાદી પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા.
જેથી આ છેતરપીંડીનો ભોગ બનેલા પૂર્વ કોર્પોરેટર દ્વારા મહિલા સહિત છ સામે વિશ્ર્વાસઘાત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જયાબેન વશરામ ડાભી નું ખોટું નામ ધારણ કરનાર મહિલા આરોપી નયનાબેન પ્રવીણભાઈ ચાવડા, અલ્પેશ ભગવાનજીભાઈ નકુમ અને મનસુખ ધનજીભાઈ પરમારની ધરપકડ કરી લેવામાં આવી હતી અને એ તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે જયારે અન્ય ત્રણ આરોપીઓ વિનોદ ઉર્ફે વિનુ તળસીભાઈ અઘારા,દયારામ સતવારા અને મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા નામના આરોપીઓ ફરાર હતા જેથી ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ એક આરોપી દયારામ સતવારા ને ઝડપી લેવામાં આવ્યો છે અને હજુ અન્ય બે ફરાર આરોપી વિનોદ ઉર્ફે વીનું તળશીભાઈ અઘારા અને મુકેશ નારણભાઈ કંઝારિયાની પણ શોધખોળ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી મુકેશ રાદડીયા ૨૦૧૫ થી ૨૦૨૦ની ટર્મમાં રાજકોટમાં સામાકાંઠે વોર્ડ નં.૬ ના ભાજપના કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યા છે.