હાજીપીર દરગાહથી પરત ફરતા કરજણ તાલુકાના કણભાના વતની સીઆઈએસએફના જવાનનું મૃત્યુ
માળીયા(મી) તાલુકાના માણાબા ગામના બોર્ડથી નજીક હળવદ હાઇવેથી આગળ વહેલી સવારમાં હાજીપીર દરગાહથી પરત ફરતા હોય ત્યારે આઈ-૧૦ના ચાલકે ઓવરટેક કરવા જતા આગળ કોઈ મોટા વાહનના પાછળના ભાગમાં કાર અથડાવતાં કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા સી.આઈ.એસ.એફ.માં ફરજ બજાવતા યુવકનું કારમાં દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે કારમાં સવાર કાર ચાલક સહીત ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલ મૃતકના પિતરાઈ ભાઈ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જીલ્લાના પણસોરા ગામના રહેવાસી જીયાઉલમુસ્તુફા અયુબઅલી સૈયદ ઉવ.૩૧ તથા તેમના કાકાના દીકરા અને કુટુંબી ભાઈઓ સાથે કચ્છમાં આવેલ હાજીપીરની દરગાહે હુંડાઈ કંપનીની ગ્રાન્ડ આઇ-૧૦ રજી નં જીજે-૦૬-પીકે-૫૮૫૦માં ગત તા. ૮/૦૬ એ નીકળ્યા હતા હળવદ હાઈવે પર જ્યાંથી તા.૦૯/૦૬ના રોજ પરત ફરતા હોય ત્યારે માણાબા ગામના પાટીયાથી આગળ કારના ચાલક તનવીરમીયા હસનઅલી સૈયદ રહે.કણભા ગામ તા-કરજણ જી.વડોદરાએ પોતાના હવાલાવાળી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય એ રીતે ચલાવી રોડ ઉપર કોઈ વાહનનો ઓવરટેક કરવા જતા આગળ જતા કોઈ અજાણ્યા મોટા વાહન સાથે ગાડી ભટકાડી દેતા આગળની ડ્રાઈવરની બાજુની સીટમા બેઠેલ ફરિયાદીના કાકાના દીકરા ગુલામમહોમદ સમદાની ઈસ્માઈલ મીયા સૈયદ ઉવ.૩૦ કે જેઓ સીઆઇએસએફમાં ફરજ બજાવતા હોય તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જયારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી. હાલ આ અકસ્માતના બનાવની માળીયા(મી) પોલીસ મથકમાં કારના ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.