મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ નેકસીયોન સીરામીક સામે રોડ ઉપર બે બાઇકના અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના નાના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં સામેવાળા આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રાતભેર ગામના સવજીભાઈ ગોકળભાઇ પડહારીયા ગત તા.૧૯/૦૫ ના રોજ રાત્રીના પોતાના સીડી ડીલક્ષ બાઇક રજી.જીજે-૧૩-એમએમ-૩૧૫૭માં લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી નોકરી પુરી કરી પોતાના રાતભેર ગામ આવતા હોય ત્યારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ નેકસીયોન સીરામીકની સામે રોડ ઉપર સામેથી ટ્રકનો ઓવરટેક કરી આવતા હોન્ડા સાઈન રજી. જીજે-૩૬-સી-૫૦૮૦ના ચાલકે સવજીભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સવજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે સવજીભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ સારવારમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં ટીકી સારવારમાં સવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક સવજીભાઈના નાના ભાઈ વિરમભાઇ ઉર્ફે ધમો ગોકળભાઇ પડહારીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર આરોપી હોન્ડા સાઈન બાઇકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.