મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે મચ્છુ-૨ ડેમ નજીક નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી અંગે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપર જાહેર સ્થળે બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૭૦૦ લીટર તેમજ ૪૫૦ લીટર તૈયાર દેશી દારૂ કિ.રૂ.૧.૦૭ લાખનો ગેરકાયદેસર જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે રેઇડ દરમિયાન એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે આ ગોરખ ધંધામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તે આરોપીને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી કે લીલાપર ગામ પરફેક્ટ પ્રિન્ટ પેકની પાછળના ભાગે નૌરૂ વિસ્તાર નદીના કાંઠે વોકળામાં મચ્છુ-૨ ડેમની બાજુમાં આરોપી વિશાલ ઉઘરેજા અને આરોપી કિરણ ઉર્ફે બેબલો દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોય, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળ ઉપર ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા રેઇડ કરતા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૭૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૧૭ હજાર, ૪૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૯૦ હજાર એમ કુલ રૂ. ૧,૦૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલ કાનાભાઇ ઉઘરેજા ઉવ.૧૯ રહે.લીલાપર ગામ મુળગામ સરંભડા તા.હળવદવાળાને સ્થળ ઉપર ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા રહે.લીલપર ગામવાળો રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા તપાસ ચલાવી છે, હાલ ક્રાઇમ બ્રાંચ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.