વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે વિસ્ફોટક સામાનનો ગેરકાયદેસર ઉપયોગ કરતા એક ઈસમને એકસપ્લોઝીવ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને મોરબી જીલ્લામાં ગેર કાયદેસર રીતે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર થતા અન- અધિકૃત રીતે તેનો ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમ કાર્યરત હતી. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, તરકીયા ગામની સીમમાં એક ઇસમ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી બિન અધિકૃત રીતે કુવાઓ/રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરે છે. જે ચોકકસ હકિકતનાં આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા વનરાજભાઇ બેચરભાઇ હડાણી (રહે. અદેપર તા. વાંકાનેર જિ મોરબી) નામનો ઈસમ રૂ ૧,૮૧૫/-ની કિંમતના ૧૨૧ એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા, રૂ.૬૬૦/-ની કિંમતના ડીટાનેટર કેપો ચળકતી ૩૩ ધાતુ, એક વાદળી કલરનુ વાયરનુ ચરૂ (વાટ) જેમાં એકસપ્લોઝીવ પદાર્થ વાળી છે. આશરે ૧૫ ફુટ જેની કિંમત રૂ.૫૦/-, રૂ. ૧,૦૦૦/-ની કિંમતનો લાલ કલરનો એકસપ્લોઝીવ વાયર વીંટાળેલ રીલ, રૂ. ૫૦,૦૦૦/-ની કિંમતનો મેસી ફર્ગ્યુશન કંપનીનુ જુના જેવું GJ-13-B-5525 નંબરનું ટ્રેકટર, રૂ. ૫૦,૦૦૦/-ની કિંમતનું કમ્પ્રેસર મશીન તથા રૂ.૫,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ઇસમ વિરૂધ્ધ તથા ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (રહે. ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર) અને તપાસમાં ખુલે તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.