સોશિયલ મીડિયામાં જાહેરાત આપી, બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી સોલાર ન લગાવી આપ્યું.
મોરબી શહેરમાં સોલાર ઇન્સ્ટોલેશન કરી આપવાની સોશિયલ મીડિયાની જાહેરાતના કુંડાળામાં એક વેપારી સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. આરોપીઓએ ડાઉન પેમેન્ટ તરીકે રૂ.૧૬,૨૩૩ ટ્રાન્સફર કરાવ્યા બાદ સોલાર ઇન્સ્ટોલેશન ન કરી આપતા, વેપારીએ પ્રથમ સાયબર હેલ્પ લાઇન બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બેંક એકાઉન્ટ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા અને વર્ધમાન ચશ્મા નામની દુકાને વેપાર ધંધો કરતા હિતેશભાઈ અનિલભાઈ સંઘવી ઉવ.૫૯ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આશરે ત્રણ મહિના પહેલા ફેસબુક પર INTIFY SOLAR PVT LTD નામની કંપની દ્વારા સોલાર ઇન્સ્ટોલેશનની જાહેરાત મૂકી હતી. જેથી તેમાં આપેલ મોબાઈલ નંબરમાં સંપર્ક કર્યા બાદ આરોપીઓએ વોટ્સએપ પર કોટેશન મોકલી ડાઉન પેમેન્ટ તરીકે રૂ.૧૬,૨૩૩/- ભરવાની માંગ કરી હતી. આ સાથે હિતેશભાઈએ ક્યુઆર કોડ મારફતે તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ પોતાના બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી હતી. બાદમાં આરોપીઓએ લોન મંજૂર ન થવાની વાત કહી સોલાર ઇન્સ્ટોલેશન ન કરી આપ્યું અને રકમ પણ પરત કરી નહોતી.
તપાસમાં જાણવા મળ્યું કે રકમ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. વધુમાં આ સોલાર ફિટ કરવાની ખોટી જાહેરાત આપી લોકો સાથે ઠગાઈ કરતી આ ફ્રોડ ગેંગને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









