બજાજ ઓટો ક્રેડિટના નામે ફોન કરીને હપ્તાની રકમ ટ્રાન્સફર કરાવી, કરવામાં આવી ઠગાઈ
હળવદના ચરાડવા ગામના રિક્ષાચાલક સાથે બજાજ ઓટો ક્રેડિટના નામે બોલતી “અર્ચનાબેન” તથા અજાણ્યા ભાઈએ વોટ્સએપ સ્કેનર મોકલી રૂ. ૧૦,૧૯૨/-ની છેતરપીંડી કરી હતી. ફરિયાદી દ્વારા ૧૯૩૦ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી અને રિક્ષા ડ્રાઈવીંગ કરતા મનોજભાઈ વાલજીભાઈ હળવદિયા ઉવ.૩૮ સાથે છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમણે બજાજ ઓટો લિમીટેડ કંપનીની સીએનજી રિક્ષા ખરીદી હતી, જેના રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૪૦૦૫ છે. રિક્ષા માટે તેમણે રૂ. ૫૫,૦૦૦/- ડાઉન પેમેન્ટ ભર્યા બાદ રૂ. ૨,૫૦,૦૦૦/- ની લોન લીધી હતી, જેના હપ્તા રૂ. ૧૦,૧૯૨/- દર મહિનાની છઠ્ઠી તારીખે ભરવાના રહેતા હતા. ગત માર્ચ મહિનામાં મનોજભાઈ હપ્તો ભરવામાં નિષ્ફળ રહેતા, ત્રણ દિવસ પછી મનોજભાઈને મોબાઇલ નં. ૭૯૮૪૯ ૭૭૮૪૯ પરથી કોલ આવ્યો. કોલરે પોતાનું નામ “અર્ચનાબેન” જણાવી અને બજાજ ઓટો ક્રેડિટ તરફથી ફોન કર્યો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે કહ્યું કે એક ભાઈ કોલ કરશે અને સ્કેનર મોકલશે, જેના મારફતે હપ્તાની રકમ ભરી શકાય. જે બાદ તે જ મોબાઇલ નં. ૭૯૮૪૯ ૭૭૮૭૧ પરથી કોલ આવ્યો જેમાં એક અજાણ્યા પુરુષે પોતાની ઓળખાણ આપ્યા વિના સ્કેનર વોટ્સએપ પર મોકલ્યું. જેથી મનોજભાઈએ મોબાઇલ પેમેન્ટ એપ દ્વારા રકમ ટ્રાન્સફર કરી હતી.
ત્યારબાદ પણ, બજાજ ઓટો ક્રેડિટ કંપનીએ હપ્તો મળ્યો ન હોવાનું જણાવતાં, મનોજભાઈએ આવેલા ફોનના મોબાઇલ નંબર ઉપર ફરીથી કોલ કરતા રિસીપ્ટ મોકલાવું છું તેમ કહી આજ દિન સુધી કોઈ રસીદ મળી નહિ અને પૈસા પણ પાછા ન મળતા, મનોજભાઈએ ૧૯૩૦ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે. હાલ મનોજભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે અર્ચનાબેન તથા મો.નં. ૭૯૮૪૯ ૭૭૮૭૧ના ધારક વિરુદ્ધ બીએનએસની કલમો તથા આઇટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.