સૌજન્ય:ગુજરાત ફર્સ્ટ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ઝેર અપાયા બાદ તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાના અહેવાલોથી દેશભરમાં ઉત્તેજના છે જ્યારે પાકિસ્તાનમાં આ સમાચારથી હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. ત્યારે ફરી એક વખત દાઉદ ઈબ્રાહિમ ચર્ચામાં આવતા ગુજરાતના તેના કનેક્શનને લઇને ચર્ચા એ જોર પકડયું છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના મોતના સમાચાર પણ અપવાદ રુપે સામે આવી રહ્યા છે પરંતુ પાકિસ્તાન સત્તાવાર રીતે આ મામલે હજું પણ ચુપ છે. દેશના 1993ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત અનેક આતંકવાદી પ્રવૃતિઓ અને ભારત વિરોધી ગતિવીધીઓના દોરી સંચારના કારણે દાઉદ ઇબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ગણાય છે. બાબરી ધ્વંસ બાદ દાઉદ પાકિસ્તાન ભાગી ગયો હોવાના અહેવાલ હતાં. દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ કોર્ટ કેસ હજૂ પણ ગુજરાતની કોર્ટમાં પેન્ડિંગ છે.
11 જૂન 1983ના રોજ દાઉદ ઇબ્રાહિમ તેના બોડીગાર્ડ સાથે વડોદરા બાયપાસ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આલમઝેબે તેનો પીછો કર્યો હતો અને વડોદરાના આલમગીર પાસે બંને વચ્ચે અથડામણ થતાં તેને ગોળી વાગી હતી. બીજી માહિતી એ પણ છે કે તેના બોડીગાર્ડની ભુલથી ફાયરિંગ થતાં ગોળી દાઉદના ગળાના ભાગે વાગી હતી અને ત્યારબાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. દાઉદને હોસ્પિટલના વોર્ડ નંબર બી-1ના બેડન નંબર 14 પર દાખલ કરાયો હતો.
બીજી તરફ વડોદરા પોલીસે બાતમીના આધારે દાઉદને હથિયાર આપવા આવી રહેલા 4 શખ્સને રિવોલ્વર, પિસ્તોલ તથા કારતૂસ સાથે ઝડપી લીધા હતા. આ મામલે સુત્રોએ કહ્યું કે વડોદરા પોલીસે દાઉદની ધરપકડ પણ કરી હતી. દાઉદ સામે વડોદરાના રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયા હતા. સુત્રો કહે છે કે દાઉદ સયાજી હોસ્પિટલમાં સારવાર વખતે ચકમો આપીને ભાગી ગયો હતો અને ત્યારબાદ આ કેસમાં તે વોન્ટેડ પણ છે. જો કે દાઉદ જ્યારે પકડાયો ત્યારે પોલીસે તેના ફિંગરપ્રિન્ટ પણ લીધા હતા. દેશભરમાં માત્ર ગુજરાતની વડોદરા પોલીસ જ છે જેની પાસે દાઉદ ઈબ્રાહિમના ફિંગરપ્રિન્ટ છે. જો કે દાઉદ જ્યારે વડોદરા પોલીસના હાથે પકડાયો ત્યારે ખુદ વડોદરા પોલીસને પણ જાણતી ન હતી કે તેમણે જેને પકડ્યો છે તે એક દિવસ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર બની જશે.તો આ રીતે ગુજરાત ની વડોદરા પોલીસ પાસે દાઉદના ફિંગર પ્રિન્ટ છે અને આખા દેશમાં અન્ય કોઈ પોલીસ પાસે દેશના સૌથી મોટા વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ના ફિંગર પ્રિન્ટ ઉપલબ્ધ નથી.