મોરબી : સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને આઠ મહાનગરમાં શિક્ષણકાર્ય બંધ કરાવાયું છે ત્યારે મોરબી જિલ્લામાં શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંકુલોને તકેદારી રાખવા આદેશ કરી કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષક કે અન્ય કર્મચારી પોઝિટિવ આવે તો તુરંત જ રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.
હાલ ગુજરાત રાજયમાં કોવિડ-19 સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, જેથી કોવિડ-19 સંક્રમણને અટકાવવાના ભાગરૂપે આઠ મહાનગર પાલિકાઓમાં અન્ય કોઈ સૂચના ન મળે ત્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો તથા આઠ મહાનગરપાલીકા સિવાયના વિસ્તારમાં અગાઉની માર્ગદર્શિકા મુજબ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ બાબતે પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળામાં કોવિડ-19 તકેદારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી સ્વાથ્ય અને સલામતી પ્રોટોકોલ જાળવવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને ધ્યાન દોરવામાં આવેલ છે. તેમજ શાળાના કોઈ કર્મચારી કે વિદ્યાર્થી કોવિડ-19 પોઝીટીવ હોવાની જાણ થયે અન્ય કર્મચારીઓ કે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતું અટકાવવા અંગેની અસરકારક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.