શાળાના બાળકો દેશભકિતને અનુરૂપ વેશભૂષામાં તિરંગા યાત્રામાં જોડાઈ તિંરગાનું ગૌરવ વધારશે
મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા’ યા અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા/પરેડનું તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિઘ કાર્યક્રમોની રૂપરેખા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા ભવ્યાતિભવ્ય બને તે માટે વહીવટ તંત્ર દ્વારા વિવિઘ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તિરંગા યાત્રાનું મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સાંજે ૫:૩૦ કલાકે પ્રસ્થાપન થશે અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ, મોરબી ખાતે પુર્ણ થશે.
આઝાદ ભારતને હવે વિકસીત ભારત બનાવવા તથા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે આપણી ભાવના દર્શાવવા તમામ નાગરીકોએ આ તિરંગા યાત્રામા સ્વયંભુ ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામા આવ્યું છે. આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી નગરપાલિકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવશે. આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભકિતને અનુરૂપ વિવિધ વેશભુષા સાથે તિરંગા યાત્રામા જોડાઈ તિરંગા યાત્રાનું ગૌરવ વધારશે.
આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાના સંસદસભ્યો તથા ધારાસભ્યોઓની વિશેષ ઉપસ્થિતિ સાથે આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા નાગરીકો તિરંગા યાત્રામાં ભાગ લેવાના છે. જિલ્લાના તમામ નગરજનોએ પોતાની દેશભાવના સમજી આ તિરંગા યાત્રામા જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.